સાપુતારા ઋતુંભરા કન્યા વિદ્યાલય ખાતે “કિશોરી મેળો” યોજાયો.
ડાંગ માહિતી બ્યુરો – આહવા : તારીખ ૨૧ ડિસેમ્બર, 2024 ના રોજ સાપુતારા ઋતુંભરા કન્યા વિદ્યાલય ખાતે “કિશોરી મેળો” નું આયોજન કરવામાં આવ્યું. આ મેળો મહિલા અને બાળ અધિકારીની કચેરી, આહવા અને ઋતુંભરા કન્યા વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો.
આ કાર્યક્રમમાં આહવા સિવિલ હોસ્પિટલના એડોલેસન કાઉન્સેલર સુશ્રી મનિષાબેને કિશોરીઓને સ્વાસ્થ્ય જાગૃતિ, માસિક ચક્રની સ્વચ્છતા અને તરુણાવસ્થાના શારીરિક-માનસિક ફેરફારો અંગે માર્ગદર્શન આપ્યું.
જેન્ડર સ્પેશિયાલીસ્ટ શ્રી પિયુષભાઈ ચૌધરીએ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અને ‘વ્હાલી દિકરી યોજના’ વિશે વિસ્તૃત માહિતી આપી. સખી વન સ્ટોપ સેન્ટરની સંચાલક સુશ્રી સંગીતાબેને કિશોરીઓને લગ્ન પહેલા અને પછી ઉદ્ભવતી સમસ્યાઓ અને તેના ઉકેલ અંગે માર્ગદર્શન આપ્યું.
મેડિકલ ટીમ દ્વારા ૪૦૬ કિશોરીઓના વજન, ઊંચાઈ અને હેમોગ્લોબિન (HB) ની ચકાસણી કરવામાં આવી. ચકાસણીમાં પ્રથમ સ્થાને ગાવિત અંજનાબેન, દ્વિતીય સ્થાને પવાર રસિલાબેન અને તૃતીય સ્થાને ગાવિત ખુશીબેન રહેતાં, તેમને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યાં.
આ ઉપરાંત, બેટી બચાવો બેટી પઢાવો થીમ પર આધારિત રંગોળી અને ચિત્ર સ્પર્ધા પણ યોજાઈ, જેમાં વિજેતાઓને પ્રોત્સાહક ઇનામો એનાયત કરવામાં આવ્યા.
કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી અલ્પાબેન, શિક્ષકગણ અને કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ૪૦૬ જેટલી કિશોરીઓએ ભાગ લીધો હતો.
Post courtesy:Infodang, Manojsinh khengar