બિરસા મુંડાની 150મી જન્મજયંતિ પર દેશભરમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી.
બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરને દેશભરમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે, જે આદિવાસી સમાજના આ નાયક અને ક્રાંતિકારીના વારસાને સન્માન આપવા માટે ખાસ છે. આ અવસર નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરના માર્ગદર્શન હેઠળ પરંપરાગત આદિજાતિ ઔષધીય પદ્ધતિને પ્રોત્સાહિત કરવા માટે એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.
9 થી 14 નવેમ્બર દરમિયાન અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલ અમદાવાદ હાટમાં આદિવાસી હર્બલ પ્રદર્શન અને વેચાણ મેળો યોજાઈ રહ્યો છે, જેમાં વલસાડ, ડાંગ, નવસારી, અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ જેવા વિસ્તારોના 133 આદિવાસી ઉપચારકો પરંપરાગત પદ્ધતિઓથી અનેક રોગોની સારવાર પ્રસ્તુત કરશે. અહીં વિશિષ્ટ આદિવાસી ઔષધિય પદ્ધતિઓનું નિદર્શન કરાતા વિવિધ બિમારીઓ જેવી કે સાંધાનો દુખાવો, ચામડીના રોગો, પાચન તકલીફો અને કિડનીની પથરી જેવી સમસ્યાઓ માટે પ્રાકૃતિક ઉપચાર પ્રસ્તુત કરાશે.
આ મેળામાં વિવિધ આદિવાસી ઉત્પાદનોની પણ નોંધપાત્ર હાજરી રહેશે, જેમાં ગૌણ વન પેદાશો, ઓર્ગેનિક ફૂડ પ્રોડક્ટ્સ, નાગલીનાં ઉત્પાદનો, શુદ્ધ મધ અને ઔષધીય વનસ્પતિઓના 100 સ્ટોલ મૂકવામાં આવ્યા છે.