શીખવવાની અનોખી શૈલી: શ્રી અરવિંદનું શિક્ષણપ્રેરક જીવન
"તમારા પોતાના વિચારોને પ્રોત્સાહન આપો. કોઈના ગુલામ ન બનો. મૌલિકતા જ તમારું સાચું શસ્ત્ર છે."
– શ્રી અરવિંદ
શિક્ષણ એટલે માત્ર પુસ્તકોમાં લખાયેલા પેઢીગતિ જ્ઞાનનો પરિચય કરાવવું નહીં, પણ વિચારશક્તિને જગાડવી, મૌલિકતા પ્રેરવું, અને જીવન માટે સાચું દિશાનિર્દેશ આપવું. શ્રી અરવિંદની શૈક્ષણિક શૈલી એ દરેક શિક્ષક માટે પ્રેરણાનું અખૂટ સ્ત્રોત છે.
તેમની શૈક્ષણિક વિધિ અનોખી હતી. તેઓ વિદ્યાર્થીને માત્ર વિષય સંબંધી જ્ઞાન આપતા નહીં, પરંતુ તેઓને વૈચારિક મૌલિકતા તરફ દોરી જતાં. એક વિદ્યાર્થી વામન આપાજી જણાવે છે કે, “શ્રી અરવિંદ ‘ફ્રેન્ચ રેવોલ્યૂશન’ ભણાવતા હતા, ત્યારે તેમણે પ્રથમ સત્રમાં પુસ્તક ઉઘાડયું પણ નહોતું. પણ એ પદ્ધતિથી જ તેઓ અમને પુસ્તક સ્વયં વાંચી તેમાંનો સાર શોધવાનું શીખવતા.”
શ્રી અરવિંદ તેમના શિક્ષણમાં મૌલિક વિચારોને મહત્ત્વ આપતા. એક વખત રાજારામ પાટકરે એમને પૂછ્યું: “મારે અંગ્રેજી સુધારવી છે. શું મેકોલે વાંચું?” ત્યારે તેમણે સરળ શબ્દોમાં કહ્યું: “તમારા પોતાના વિચારોને પ્રોત્સાહન આપો. કોઈના ગુલામ ન બનો. મૌલિકતા જ તમારું સાચું શસ્ત્ર છે.”
તેમનો અભિગમ માત્ર શૈક્ષણિક હદોમાં મર્યાદિત ન હતો. મહારાજાના કામને કારણે તેઓ કોલેજમાં નિયમિત વર્ગો ન લઈ શકતા, પરંતુ નિવાસસ્થાને વિદ્યાર્થીઓને ભણાવવાનું તેઓ ક્યારેય ચૂકી જતાં નહીં. વિદ્યાર્થીઓ તેમની શૈક્ષણિક શૈલીમાંથી માત્ર વિષયજ્ઞાન જ નહીં, પણ જીવનજીવનની પ્રેરણા પણ મેળવી શકતા.
તેમના પ્રવચનોના સમયે કોલેજનો સેન્ટ્રલ હોલ ભરી જતો. વક્તવ્ય દરમિયાન તેમની સ્થિરતા અને વાણીની મધુરતા શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતી. પાટકરનો ઉલ્લેખ છે કે, “તેમનો અવાજ આજે પણ મારા કાને વાગે છે. તેમની વાણી માત્ર શબ્દો નહીં, પણ સંગીતની મધુરતા જેવી લાગતી.”
શ્રી અરવિંદની શીખવવાની અનોખી શૈલી માત્ર શિક્ષણ પૂરતી મર્યાદિત ન રહી, પણ આજે પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક પ્રેરણાસ્ત્રોત બની છે. આવી શૈલીઓ સમાજમાં મૌલિક ચેતનાને વિકસાવવા માટે અગત્યની છે.
લેખ : શ્રી અરવિંદ જીવનધારા