ધરમપુરની મોનસૂન મઝા: વિલ્સન હિલ અને શંકર ધોધ

 ધરમપુરની મોનસૂન મઝા: વિલ્સન હિલ અને શંકર ધોધ

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલું વિલ્સન હિલ અને શંકર ધોધ દક્ષિણ ગુજરાતના પર્વત પ્રદેશોના કુદરતી સૌંદર્યને માણવા માટેનું પ્રખ્યાત સ્થળ છે. વિલ્સન હિલનું મનોહર દૃશ્ય ચોમાસાની ઋતુમાં ખાસ કરીને આકર્ષક બની જાય છે, જ્યારે વાદળો ડુંગરની ટોચને આલિંગન કરે છે અને ધુમ્મસની ગાઢ ચાદરનું આવરણ સર્જાય છે. આ સ્થાનની સોળે કળાએ ખીલી ઉઠતી કુદરતી સુંદરતા પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.

આ હિલ સ્ટેશનનો ઇતિહાસ રસપ્રદ છે. ઇ.સ. 1828માં મુંબઇ પ્રાંતના ગવર્નર લોર્ડ વિલ્સને આ સ્થળને ગિરિમથક તરીકે વિકસાવવાનો પ્રસ્તાવ ધરમપુરના મહારાજા વિજયદેવજી સિસોદિયા સમક્ષ મૂક્યો હતો. ત્યારબાદ વિલ્સન હિલ પર લોર્ડ વિલ્સનની એક ઈટાલિયન માર્બલની પ્રતિમા સ્થપાઈ અને આ સ્થળને હિલ સ્ટેશનના રૂપમાં વિકસાવવાનું શરૂ થયું. તાજેતરમાં સરકાર દ્વારા આ હિલ સ્ટેશનને ઇકો ટુરિઝમ તરીકે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, અને અહીં યોજાતા વિન્ટર ફેસ્ટિવલના કારણે આ સ્થળ વધુ પ્રસિદ્ધ બન્યું છે.

વિલ્સન હિલથી માત્ર 4 કિમી દૂર શંકર ધોધનું સ્થાન પણ પ્રવાસીઓમાં લોકપ્રિય છે. ઘન ઘોર વનો અને કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો આ ધોધ તેના અવિસ્મરણીય દ્રશ્યો અને શાંતિ માટે પ્રખ્યાત છે. અહીં નજીકમાં વાઘવળ ગામે આવેલ દત્ત મંદિર અને અંગ્રેજોના સમયમાં બંધાયેલ વધસ્તંભ જેવા સ્થળો પણ પ્રવાસીઓને આકર્ષે છે.


Post a Comment

Previous Post Next Post