આદિવાસી લોકજીવન અને દેવી-દેવતાઓ સાથે જોડાયેલો આમલપાડા કિલ્લો
સયાજીરાવ ગાયકવાડનો પોડઘટ કિલ્લો જુના આમલપાડા, સોનગઢ, તાપી જિલ્લાનો આ કિલ્લો ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો મહત્ત્વપૂર્ણ ધરોહર છે. પ્રાચીન સમયમાં બનેલો આ કિલ્લો એક મહત્વપૂર્ણ ઐતિહાસિક સ્થળ છે, જે આપણા ગુજરાતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર ઈતિહાસને દર્શાવે છે.
ઉકાઈડેમ નજીક આવેલો જુના આમલપાડા ગામનો આ કિલ્લો આદિવાસી સાંસ્કૃતિક વારસાનો જીવંત દાખલો છે. આ કિલ્લો ગોવલી રાજા તરીકે ઓળખાતા સયાજીરાવ ગાયકવાડની સાથે જોડાયેલી દંતકથાઓ માટે જાણીતો છે. કહેવાય છે કે ગાયકવાડ અહીં શિકાર અને સંરક્ષણ માટે કિલ્લાની નીચેના ભોંયરૂનો ઉપયોગ કરતા હતા, જે સોનગઢના કિલ્લા સુધી જઈ પહોંચતું હતું.
આ કિલ્લાની આજુબાજુ આદિવાસી દેવી-દેવતા સ્થાનોની સંખ્યા પણ છે, જેમાં સૌથી મુખ્ય તાપી નદીના કિનારે આવેલ દેવાણી માતાનું મંદિર છે, જે આદિવાસી લોકવાયકાઓમાં મહત્વ ધરાવે છે. અહીં મહાદેવ, હનુમાન જેવા દેવસ્થાનોની સ્થાપના કરાઈ હતી અને અતિથિઓ માટે મેળો પણ ભરાતો હતો.
હાલમાં કિલ્લાની હાલત ખૂબ જ જર્જરિત છે. કિલ્લાના ગેટ અને દીવાલો તૂટેલી અને બરાબર સંરક્ષણની જરૂરિયાત ધરાવે છે. અહીં પ્રાચીન ખજાનાનો ઉલ્લેખ મળ્યો હોવાથી ખોદકામ થયેલ છે, પરંતુ હજુ સુધી કોઈ ખજાનો મળ્યો નથી.
સ્થાનિક આદિવાસીઓ માટે કિલ્લાનો વિકાસ અને તેને પ્રવાસન સ્થળ તરીકે માન્યતા મળી રહે, તેવી અપેક્ષા છે, જેથી રોજગારીની તકો વધે અને આ વિસ્તારમાં વિકાસ થાય.