આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પનું ઓલપાડ ખાતે આયોજન.
1500થી વધુ વરિષ્ઠ નાગરિકોએ લાભ મેળવ્યો
ઓલપાડ: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ઓલપાડના મુખ્ય પ્રાથમિક શાળામાં આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં 1500થી વધુ વરિષ્ઠ નાગરિકોએ હાજરી આપી અને વય વંદના કાર્ડનો લાભ લીધો.
મંત્રીએ હસ્તે કાર્ડ વિતરણ કરતી વખતે જણાવ્યું કે, પીએમજન આરોગ્ય યોજનાનો લાભ હવે 70 વર્ષથી વધુ વયના નાગરિકોને આધારકાર્ડના આધારે મળી શકે છે, જેનાથી તેઓ આર્થિક દબાણ વિના સરકારી તેમજ માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવી શકશે.
સરકારના જનકલ્યાણકારી પ્રયાસો: શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે આ યોજનાઓ પરિવારને સુરક્ષા કવચ પૂરું પાડે છે. ગંગાસ્વરૂપા બહેનોને દર મહિને રૂ. 1250 ની સહાય સીધા બેંક ખાતામાં જમા થાય છે.
આધુનિક તબીબી સેવાઓ: મંત્રીશ્રીએ ઉમેર્યું કે હવે વડીલોના ઘૂંટણના ઓપરેશન માટે અદ્યતન ટેકનોલોજી ઉપલબ્ધ છે, જે તેમને ફરી પગભર બનવામાં મદદરૂપ થાય છે.
વીમા કવચ: પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના લાભો તથા ઓછા પ્રીમિયમ પર મોટી સુરક્ષા જેવી વાતો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
આ પ્રસંગે તલાટી, સરપંચ, પંચાયત સભ્યો, આરોગ્ય અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને વૃદ્ધજનોને વધુમાં વધુ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યું.