પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન: ડાંગ જિલ્લાના ખીરમાણી ગામમાં નોંધપાત્ર પ્રતિસાદ
ડાંગ માહિતી બ્યુરો, આહવા, તા. ૨૬:
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ જ પ્રેરણાના ભાગરૂપે, તારીખ ૨૨ નવેમ્બરે આહવા તાલુકાના રંભાશ ક્લસ્ટરમાં આવેલા ખીરમાણી ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 46 ખેડુતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ મહત્વના પાસાઓ જેમ કે જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, વાફસા, ખાટી છાસ, ગૌમૂત્ર, અને રાખના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ તાલીમમાં આત્મા પ્રોજેક્ટના માસ્ટર ટ્રેનર શ્રી ચંદ્રસિંહ એમ. છગનીયા અને શ્રી દીપેશ આર. થોરાતે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના તત્વોને સવિસ્તાર સમજાવ્યા. સાથે સાથે આ પ્રયત્નોથી થતા ખેડૂતોના આરોગ્યલક્ષી અને આર્થિક લાભો પર પણ ચર્ચા કરવામાં આવી.
ડાંગ જિલ્લાને પ્રાકૃતિક કૃષિ મોડલ તરીકે વિકસાવવા માટે આ પ્રકારના કાર્યક્રમો સતત યોજાશે. સ્થાનિક ખેડુતોના ઉત્સાહ અને પ્રતિબદ્ધતા પ્રાકૃતિક કૃષિ અભિયાનને વધુ મજબૂત બનાવશે.
સૌજન્ય: ડાંગ માહિતી બ્યુરો, આહવા.