ઉંબાડિયું: દક્ષિણ ગુજરાતની લિજ્જતદાર ઓળખ

 ઉંબાડિયું: દક્ષિણ ગુજરાતની લિજ્જતદાર ઓળખ

ઉંબાડિયું, શિયાળાની ખાસ વિવિધતા ધરાવતી વાનગી છે, જે સ્વાદ અને આરોગ્યનો પરિચય છે. તે લોકો માટે માત્ર ખોરાક જ નહીં, પરંતુ એક ઉત્સવ સમાન છે. વલસાડ જિલ્લામાં ખાસ લોકપ્રિયતાનો આનંદ માણતી આ વાનગી તેના બનાવટ  કળાના લીધે અનોખી છે.

ઉંબાડિયું બનાવવાની પ્રક્રિયાની વિશેષતા

 કંદમૂળ અને શાકભાજી:

સક્કરિયા, રતાળુ, બટેટા, રીંગણ અનેદેશી લીલી પાપડી કે કતારગામની પાપડી—શિયાળામાં મળતી તાજી શાકભાજીનો ઉપયોગ થાય છે. સૌથી વધુ સ્વાદ દેશી પાપડીમાં આવે છે.

 મસાલો તૈયાર કરવો:

હળદર, મીઠું, મરચાં પાવડર,લીલા ધાણા, સીંગદાણાનો ભૂકો, લીલા મરચાં, લીલી લસણની પેસ્ટ, અજમો  અને અન્ય સ્થાનિક મસાલા શાકભાજીમાં ભરીને સ્વાદમાં વિવિધતા લાવવામાં આવે છે.

વનસ્પતિમાં મિક્ષ કરવું:

ઉંબાડિયુંનો સ્વાદ લેવા માટે દક્ષિણ ગુજરાતના ખેતરોના સેઢા પાળે ઉગી નીકળતી એક વનસ્પતિ જેને સ્થાનિક બોલીમાં "કલાર" કહે છે  જેનાં ફૂલ અને પાનનો ઉપયોગ આ વાનગીમાં અવશ્ય કરવામાં આવે છે. જેના કારણે તેનો ટેસ્ટ અલગ હોય છે.

પાપડી કલારનાં ફૂલ, કંબોઈ, આંકડાના ફૂલમાં રગદોળી તેમાં થોડું તેલ નાખી મસળવામાં આવે છે. તૈયાર કરેલા લીલું મરચાની ચટણી નાખી તેમાં બટાટા, રીંગણ કંદમાં મસાલા ભરી તૈયાર કરવામાં આવે છે. ત્યાર બાદ માટલાના તળીયે કલાર અને કંબોઈની ડાળખીઓ નાખી તેના પર મિક્ષ કરેલ પાપડી બટાટા, રીંગણ, કંદ શક્કરિયા નાખી માટલું ક્લાર અને કંબોઈ નાં ડાળી દ્વારા પૅક કરવામાં આવે છે. લીલાં મરચાં કોથમીર અને સીંગદાણા દ્વારા તૈયાર કરવામાં આવેલ ચટણીને ખાખરાનાં પાનમાં મૂકી પાપડી સાથે તેને પણ બાફવામાં આવે છે જેનો સ્વાદ સારો ચટપટી અને લિજ્જતદાર  હોય છે.

નોનવેજ ઉંબાડિયું : અલગ અંદાજમાં 

માંસાહારનાં શોખીન  લોકો તેમાં ઈંડાં કે ચીકનનાં માંસના ટુકડામાં મસાલા ભરી ખાખરાના પાનમાં મૂકી ઉંબાડિયું બનાવવાનો આગ્રહ રાખે છે. જે ઉંબાડિયુંનો ટેસ્ટ વધારે છે એવું નોન્વેજ ઉપયોગ કરતાં લોકોનું કહેવું છે.

 ઉંબાડિયું માટે  માટલાનું મહત્વ:

ઉંબાડિયું ફકત ને ફક્ત માટલામાં જ તૈયાર કરવામાં આવે છે. માટલાને જમીનનો ઊલટું મુકવામાં આવે છે. તેના તળીયે 7 થી 10 પાપડી મુકવામાં આવે છે, જેને ' ડાકણ ' કહે છે જેના દ્વારા ઉંબાડિયું તૈયાર થયું કે નહી  તે જાણી શકાય છે. માટલાની પાતળી દિવાલ ઉંબાડિયું ધીમે તપાવવામાં મદદરૂપ થાય છે, જેથી તમામ ઘટકો સમાન રીતે બફાય. ઉંબાડિયું તૈયાર થયું છે તે તેની સુગંધ પરથી ખબર પડે છે.

માટલાનાં ફરતે  છાણા અને લાકડાના ગોઠવી સળગાવી  ધીમા તાપે બાફવામાં આવતા આ ઉંબાડિયાંને મૂળ સ્વાદ, ટેક્સચર અને સુગંધ મળે છે.

ઉંબાડિયું અને પોષણ

તેલ વિનાનું પકાવાનું તે આરોગ્યપ્રદ બનાવે છે.

કંદમૂળના કાર્બોહાઇડ્રેટ્સ અને ફાઇબર શરીરને ઊર્જા પૂરી પાડે છે.

લીલી પાપડી અને મસાલાઓ શિયાળામાં શરીર તપતું રાખે છે અને પાચનતંત્ર સુધારે છે.

સ્થાનિક અર્થતંત્રમાં ઉંબાડિયુંનું યોગદાન

દક્ષિણ ગુજરાતના વલસાડ,નવસારી, સુરત જિલ્લામાં ઉંબાડિયું માત્ર મૌસમની વાનગી જ નહીં, પરંતુ અનેક પરિવારો માટે રોજગારનું માધ્યમ છે. તહેવારો, શિયાળાના મેળાઓમાં સ્ટોલ્સના માધ્યમથી ઉંબાડિયું વ્યાપારિક ધોરણે વેચાણ કરવામાં આવે છે.

શિયાળામાં શાના માટે ઉંબાડિયું શ્રેષ્ઠ છે?

શિયાળાના મૌસમમાં શરીરને ગરમ રાખવું મહત્વનું છે, અને તે માટે પ્રોટીન, ફાઇબર, અને મસાલાવાળા આહારની જરૂર હોય છે.

તેલ રહિત અને લઘુ પાચ્ય હોવાથી તે દરેક વયના લોકોને ભાવે છે.

આ વાનગી સામૂહિક રીતે ખાવા માટે શ્રેષ્ઠ છે, જે કુટુંબ અને મિત્રો સાથેના પલને વિશેષ બનાવે છે.

વલસાડના દરેક ખૂણેથી મળતું ઉંબાડિયું એક વાર તો ચોક્કસ ચાખવું જોઈએ, કેમ કે તે સ્થાનિક પરંપરા, સ્વાદ અને સ્વાસ્થ્યનો મિશ્રણ છે.


Post a Comment

Previous Post Next Post