ઉભદ ગામ: સમય સાથેનો સંઘર્ષ અને સફળતા
ઉભદ ગામ ગુજરાત રાજ્યના તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલું છે. જે તાપી કિનારે આવેલું છે. અહીંની વસ્તીમાં આદિવાસી ભીલ, ટોકરે કોળી, ગુજ્જર સમાજના લોકો વસે છે.
સૌથી વધુ જમીન ગુજ્જર સમાજ ધરાવે છે. જ્યારે ભીલ સમાજ છૂટક મજૂરી અને માછીમારી કરી ગુજરાન ચલાવે છે. ગામના મુખ્ય વ્યવસાયોમાં ખેતી, ખેતમજૂરી, માછીમારી અને પશુપાલનનો સમાવેશ થાય છે. અહીંના ખેડૂતો મુખ્યત્વે જુવાર, કપાસ, ઘઉં અને વિવિધ શાકભાજીની ખેતી કરે છે, જે તેમની આજીવિકાનું મુખ્ય સ્ત્રોત છે.
ઉકાઈ ડેમની જળસપાટી ઠેઠ ઉભદ ગામનાં ઉપર ભાગમાં મહારાષ્ટ્રની બોર્ડર સુધી વિસ્તરેલી છે. જે પાણીની સપાટી ધીમેધીમે ઓછી થતાં તેમાં અહીંનાં લોકો નદીના કાંપમાં કે રેતીમાં જુવાર, તરબૂચ, સક્કરટેટી જેવા પાકો લે છે. અહીંના ગુજ્જર સમાજના લોકો પાકોમાં તુવર, શેરડી, ચણા, મગ , ઘઉં અને કપાસનું મોટા ભાગે વાવેતર કરે છે.
વાત છે 1994 થી 1998 દરમ્યાનની
વાત છે 26 વર્ષ પહેલાંની,અહીંના આદિવાસી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઘણું ઓછું હતું. તે સમયે પતરાંવાળી જર્જરિત શાળા હતી તેમાં બે શિક્ષકો અભ્યાસ કરાવતા હતા. અને ધોરણ 1થી 4ની શાળા હતી તે સમયે માંડ 10 જેટલી સંખ્યા હતી. તે પણ રીસેસ સમય દરમ્યાન નદીમાં રમવા નીકળી જતાં જેમને બોલાવવા માટે શિક્ષકે જાતે જવું પડતું. ધોરણ 1થી 4નો અભ્યાસ કર્યા પછી 5માં ધોરણ માટે બાળકોએ પગપાળા ચાલીને 2થી 3 કિલોમીટરના અંતરે આવેલું સદ્ગવાણ પે સેન્ટર (કેન્દ્ર શાળામાં) જવું પડતું હતું. ગુજ્જર સમાજના એક પણ બાળક આ શાળામાં અભ્યાસ કર્યો ન હતો તેમના બાળકો મહારાષ્ટ્ર રાજ્યના પ્રકાશા, નંદુરબાર કે શહાદા જતાં હતા. તે સમયે ફક્ત કોળી સમાજના સરપંચશ્રી પાઉબાભાઈ બાગુલનાં બે દીકરાઓએ અભ્યાસ કર્યો હતો.
બાળકો ગુજરાતી ભાષા પણ સરખી રીતે સમજી શકતા ન હતા. ગુજરાતી ભાષાના શબ્દોના અર્થ ત્યાંની સ્થાનિક બોલીમાં અર્થનો અનર્થ થઈ જતો. પહેલા પહેલા ત્યાંની સ્થાનિક બોલી સમજવી ઘણી અઘરી બને છે. સ્થાનિક બોલીમાં મરાઠી ભાષાનો મહત્તમ ઉપયોગ કરતા હતા. અને ગુજ્જર બોલીનો ઉપયોગ કરતા હતા. શરુઆત બાળકોને 'hello' એમ કહેતા બાળકોમાં સોપો પડી જતો. કશું બોલતા નહિ અને ગંભીર થઈ જતાં જેથી શિક્ષકને શંકા જતા તે સમયે MDMનાં સંચાલક ભરતભાઈ પટેલને પૂછતાં ખબર પાડી કે હેલોનો અર્થ ' પાડો ' થાય.પછી તો ત્યાંની બોલીનો અભ્યાસ કર્યો ત્યાંની સ્થાનિક ચીજવસ્તુઓને શું કહે તે પ્રથમ જાણી લીધું પછી બાળકોને સાથે ગુજરાતીમાં શૈક્ષણિક કાર્ય કરતાં. કામ વગરના માણસને આપણે ગુજરાતીમાં પુરુષને 'નવરો અને સ્ત્રીઓને ' નવરી' કહીએ છીએ જ્યારે ત્યાંની સ્થાનિક બોલીમાં 'પતિ પત્ની 'નાં અર્થમાં આ શબ્દો વપરાતા હતા. હવે તો સરકારશ્રી દ્વારા પણ સ્થાનિક બોલી કે ભાષાને પ્રાધાન્ય આપ્યું હોય તેના સાહિત્ય તૈયાર કરવા માટેનું આયોજન કરવામાં આવે છે.એવા વિસ્તારમાં નોકરી કરતાં શિક્ષકો માટે સૌથી મોટો પડકાર સ્થાનિક બોલીનો હોય છે. પછી બીજો પડકાર રહેવા માટેનો હોય છે. તે સમયે રહેવા માટે મકાન પણ મળતું નહીં તે શિક્ષકો શાળામાં જ રહેતા હતા. સવારે શાળા અને સાંજે રહેઠાણ. એ નિત્ય ક્રમ રહેતો.
ગામનાં રસ્તા કાચા હતા. પિશાવાર ફાંટા પરથી કાદવવાળા રસ્તે આવવું જવું પડતું. તે સમયે ગામમાં કિશોરભાઈ પટેલ અને તેમનું કુટુંબ ખાધેપીધે સુખી હતું. તેમનું સયુંકત કુટુંબ હતું. તેમના ઘરે બે ટ્રેકટર હતા જેમના પર બેસીને ફાંટા સુધી સરળતાથી જઈ શકતા. તે સમયે ઘરે કે ખેતરમાં કામ કરતા કાયમી મજૂરને રકમના બદલામાં અનાજ આપવાની પ્રથા હતી.
ભરતભાઈ પટેલની ફટફટી (ટુ વ્હીલર યઝદી ગાડી અને પિશાવરનાં સરપંચશ્રી બબનભાઈ પાનપાટીલનું રાજદૂત અમારા માટે અત્યારની ktM જેટલી મહત્ત્વની ગણાતી હતી. ગામનાં સરપંચશ્રી પાઉબાભાઈ બાગુલ હતા.અને તે સમયે તેમના પાસે ટ્રક હતી.
આજે 26 વર્ષે પણ ઉભદ ગામના લોકો સાથે વિતાવેલા 5 વર્ષ જેટલો સમય ત્યાંના લોકોની લાગણી અને પ્રેમભાવ આંખ સામે પ્રત્યક્ષ પ્રગટ થઈ જાય છે. ત્યાંના લોકો નિસ્વાર્થ લાગણીથી જોડાયેલા રહેતા, શિક્ષકોને ' ગુરુજી ' નાં સંબોધનથી બોલાવતા. એ શબ્દ એટલો મધુરો લાગતો કે આજે સાહેબ શબ્દ તેના આગળ ફિક્કો લાગે છે.
આદિવાસી સમાજ ભલે ગરીબ હતો પરંતુ ઈમાનદાર હતો. ગુજ્જર સમાજના લોકો પણ લાગણીશીલ અને માયાળુ હતા. ગુજ્જર સમાજની બહેનો અવનવી વાનગીઓ બનાવવામાં નિપુણ હોય છે.તેમના દ્વારા બનાવેલી 'ચા' નો સ્વાદ હજુ યાદ છે. જે આજે મહારાષ્ટ્રની પ્રખ્યાત 'શિવનેરી ચા' ના સ્વાદમાં જોવા મળે છે.
શાળાની પાછળ રામસીંગભાઈ એક નાની દુકાન હતી. ચોમાસા દરમ્યાન વિજળીનો સૌથી મોટો પ્રશ્ન હતો અઠવાડિયા સુધી વીજળીનાં દર્શન થતાં ન હતા તે સમયે પીવા માટેનું પાણી તાપી નદીમાંથી મોટા મટકામાં ભરી રાખી પાણી નીતરતા તેને ગરમ કરી પીવાના દિવસો જોયાં હતાં. અનાજ દળવાની મોટી ઘંટી ટ્રેકટર દ્વારા ચલાવવાનો જુગાડ તે સમયે મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો. જે મિલનું લોકેશન જૂની નિશાળ અને પંચાયત ઘરની સામેનાં ઘરોની પાછળ લીમડા પાસે મધ્યાહન ભોજનના કામદાર સામીબેનના ઘર પાસે હતી.
ગામનાં તમામ ઘરો ધાબાવાળા તો હતાં પરંતુ ધાબું કાળી ચીકણી માટીથી બનેલું હતું. ધાબું સ્ટીલના સળિયાની જગ્યાએ કપાસની સાંઠી કે તુવેરની સાંઠી અને લાકડાંથી બનેલાં હતા. ઉનાળાની ગરમીમાં AC ની જરૂર ન પડે તેટલી ઠંડક વર્તાતી. ફક્ત ચોમાસાં દરમ્યાન ઘાસનાં મૂળ વાટે ઘરમાં પાણી ટપકતું. ઘરની સ્ત્રી પાણી બહાર કાઢવાના કામમાં લાગી જતી હતી. ચોમાસમાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડતી.
પૂરની પરિસ્થિતિમાં ઘરબાર છોડીને ઊંચાણવાળા વિસ્તારમાં જઈ પૂર ઓસરે નહીં ત્યાં સુધી રહેવાનો વારો આવતો. તે સમયે ઉભદ ગામ નિઝર તાલુકામાં હતું. તાલુકાનાં કામ માટે આવવા જવા માટે બસની સુવિધા પણ નહતી. મહારાષ્ટ્રની કાળીપીળી ગાડી કે બસમાં વાયા પ્રકાશા કે તલોદા થઈને જવું પડતું. ચોમાસમાં તમામ રસ્તાઓ બ્લોક થઈ જતાં પીશાવર પાસેનું ગરનાળું અને ઉભદ ફાંટા પાસેનું ગરનાળું એકદમ નીચું હોવાથી પૂર સમયે હોડીમાં બેસીને આવનજાવન કરવુ પડતું હતું.
હાલ વર્ષ 2024ની સ્થિતિએ
મળેલ માહિતી મુજબ, અત્યારના સમયમાં, સરકારશ્રીનાં નમ્ર પ્રયત્નોથી ગામમાં પ્રાથમિક શાળાના પાકા ઓરડાં અને 1થી 8 ધોરણ સુધીની શાળા ચાલે છે. જેમાં 90 બાળકો 43 કુમાર અને 47 કન્યા અને 4 શિક્ષકો કાર્ય કરે જેમાં 3 પુરુષો અને 1 મહિલા શિક્ષિકાનો સમાવેશ થાય છે. આ શાળાની સ્થાપના 1956માં થયેલી. ઉપરોક્ત માહિતી ( schools.org.in અને Localbodydata.comપરથી ઉપલબ્ધ) આંગણવાડી, પંચાયતઘર (ગ્રામ પંચાયતના કુલ 8 વોર્ડ છે.) અને દુધની ડેરી જેવી સવલતો ઉપલબ્ધ છે. આ પ્રગતિથી ગામની સામાજિક અને શૈક્ષણિક સ્થિતિમાં સુધારો થયો છે, જે લોકજાગૃતિ અને પરિવર્તન તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે.
લેખ : SB KHERGAM, 9825167739