રાજ્યમાં આઠ નવી સરકારી કોલેજો માટે મંજૂરી
આહવા (ડાંગ), ૨૩ નવેમ્બર:
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ૨૧ નવેમ્બરના રોજ જાહેર કરાયેલા ઠરાવ અનુસાર, રાજ્યમાં કુલ ૮ નવી સરકારી કોલેજોની મંજૂરી આપવામાં આવી છે. ડાંગ જિલ્લાના સુબીર ખાતે એસ્પીરેશનલ બ્લોકમાં વિનિયન પ્રવાહ માટે નવી કોલેજ શરૂ કરવાની મંજૂરી મળવા પર વિધાનસભા નાયબ દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
ડાંગના આ અંતરિયાળ વિસ્તારમાં નવી કોલેજ શરૂ થતાં સ્થાનિક વિદ્યાર્થીઓને પોતાનાં રહેવા સ્થળ નજીક ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાનો લાભ મળશે. હવે તેમને કોલેજ શિક્ષણ માટે દૂર જવું નહીં પડે, જે આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે મોટું પ્રોત્સાહન છે.
મંજુર થયેલી નવી કોલેજો:
1. આદિજાતિ વિસ્તાર:
સુબીર (ડાંગ): વિનયન પ્રવાહ
ડોલવણ (તાપી): વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહ
સંજેલી (દાહોદ): વિનયન અને વાણિજ્ય પ્રવાહ
દાંતા (બનાસકાંઠા): વિજ્ઞાન પ્રવાહ
2. બિન આદિજાતિ વિસ્તાર:
અંજાર (કચ્છ): વિનયન અને વાણિજ્ય પ્રવાહ
તારાપુર (આણંદ): વિનયન અને વાણિજ્ય પ્રવાહ
કુકાવા-વડિયા (અમરેલી): વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહ
દિયોદર (બનાસકાંઠા): વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન પ્રવાહ
આ નવી કોલેજોની શરૂઆત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ ઉચ્ચ શિક્ષણના પ્રસાર માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
#ડાંગમાહિતીબ્યુરો
#આહવા