Narmda: નર્મદા જિલ્લામાં પ્રભાત ફેરી થકી પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા પ્રયાસ
રાજપીપલા, ગુરુવાર:
નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર કરવા અને તેના વ્યાપને વધારવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુના નેતૃત્વમાં તમામ તાલુકાઓમાં પ્રભાત ફેરીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દેડિયાપાડાના કેવડી ખાતે યોજાયેલી પ્રભાત ફેરીમાં ગ્રામજનો અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ સાથે સાગબારા તાલુકાના નાના કાકડી આંબા અને ગરૂડેશ્વર તાલુકાના અક્તેશ્વર ખાતે પણ આ કાર્યક્રમ યોજાયો, જ્યાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ખેડૂતોને પી.એમ. કિસાન યોજનાના ફાર્મર રજીસ્ટ્રી ઝુંબેશ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. ખેડૂતોને આગામી તા. ૨૫ નવેમ્બર, ૨૦૨૪ સુધી તેમની ખેડૂત આઈડી નોંધાવવાની ફરજિયાતતા અંગે સૂચિત કરવામાં આવ્યા.
પ્રભાત ફેરીમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી વિનોદભાઈ પટેલ, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ડી.કે. શિનોરા અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ પણ ભાગ લીધો. આ પ્રચાર અભિયાન હેઠળ તા. ૨૩ નવેમ્બરના રોજ દેડિયાપાડાના સોલીયા, તિલકવાડાના સાહેબપુરા, નાંદોદના બોરીદ્રા, ગરૂડેશ્વરના ટીમરવા અને સાગબારાના પાંચપીપરી ખાતે તેમજ તા. ૨૫ નવેમ્બરના રોજ તિલકવાડાના વ્યાધર ખાતે પ્રભાત ફેરી યોજાવાની છે.
આ અભિયાનથી નર્મદા જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીની દિશામાં વધુ પ્રોત્સાહિત થશે અને કુદરતી ખેતી અપનાવીને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી તરફ આગળ વધશે.
--- જિલ્લા પંચાયત નર્મદા
(માહિતી વિભાગ)