ડુંગરની ટોચે દબાયેલા અમર બલિદાનનો અજાણ્યો ઈતિહાસ
ગુજરાતના મહિસાગર જીલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ માનગઢ ધામ માત્ર યાત્રાનું સ્થળ નહીં પરંતુ શૂરવીર આદિવાસી વીરોએ કરેલ બલિદાનની પવિત્ર ભૂમિ છે. આ સ્થળે 17 નવેમ્બર, 1913ના રોજ થયેલી ઘટનામાં બ્રિટિશ સેનાએ 1500થી વધુ આદિવાસી બિરદાવાને નિર્દયતાથી માર્યા હતા. આ ઘટના માનગઢના બલિદાન તરીકે ઈતિહાસમાં નોંધાઈ છે. આ હળાહળ બલિદાનના નાયક હતા આદિવાસી સમાજના માર્ગદર્શક અને ક્રાંતિકારી ગુરુ, શ્રી ગોવિંદ ગુરુ.
માનગઢ ધામની પવિત્ર ધૂળમાં આદિવાસી સમાજની ગૌરવગાથા છુપાયેલી છે, જેની સ્મૃતિ માટે દર વર્ષે વિશેષ કાર્યક્રમોનું આયોજન થાય છે. તાજેતરમાં યોજાયેલા "પરીક્રમા ધૂણી વંદના" કાર્યક્રમના દ્વિતીય વર્ષમાં રાજ્યના સંતો મહંતો, સમાજ શ્રેષ્ઠીઓ, સ્થાનિક આગેવાનો અને શ્રદ્ધાળુઓએ હાજરી આપી.
ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહાન બલિદાનોની સ્મૃતિને વંદન કર્યું. આ પ્રસંગે લોકડાયરા તથા સંતવાણીના સુંદર આયોજનમાં ગોવિંદ ગુરુના આદર્શો અને આદિવાસી સમાજના બલિદાનોને યાદ કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વળવાઇ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ, ગાયત્રી પરિવારના સભ્યો, અને આગેવાનો પણ જોડાયા હતા. આદિવાસી સમુદાયના એકતા અને બલિદાનની મહત્તાને ઉજાગર કરતું આ આયોજન માનવતાના મહત્વના પાઠે આધારીત હતું.
માનગઢના બલિદાનોને શ્રદ્ધાંજલિ
માનગઢ ધામ એ માત્ર યાત્રાધામ નથી; તે આપણા અસ્તિત્વ અને આઝાદીની વારસાનું પ્રતિક છે. શ્રી ગોવિંદ ગુરુ અને તેમના સાથીદારોના બલિદાનથી પ્રેરણા લઇએ અને સમાજના ઉત્થાન માટે કાર્ય કરી આ અમર ઈતિહાસ જીવંત રાખીએ.
માનગઢ ધામ કી જય!
શ્રી ગોવિંદ ગુરુ કી જય!