તાપી જિલ્લામાં 'બાળ લગ્ન એક અભિશાપ' વિષય પર સેમિનાર યોજાયો
તાપી: 12 ડિસેમ્બર 2024
તાપી જિલ્લાના ડો. આંબેડકર હોલ, વ્યારા ખાતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક સહ સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા 'બાળ લગ્ન એક અભિશાપ' વિષય પર એક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
આ સેમિનારનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઇશ્વરભાઈ ગામીત, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના કમલેશ પંચાલ, અને જીમી મહેતા તથા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચના પટેલના હસ્તે કરવામાં આવ્યું.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચના પટેલે સેમિનારમાં હાજર સમાજના પ્રતિનિધિઓ, ધાર્મિક સંગઠનોના આગેવાનો અને મહિલાઓને 'બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ' વિશે માહિતગાર કર્યો. તેમણે જણાવ્યું કે, "આ વિભાગ અને કચેરીનું મુખ્ય ઉદ્દેશ મહિલાઓની સામાજિક, આર્થિક અને કાયદાકીય સલામતી સુનિશ્ચિત કરવું છે." તેમણે મહિલાઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ, જેમ કે 'સખી વન સ્ટોપ સેન્ટર', 'અભયમ 181' અને 'વ્હાલી દીકરી યોજના' વિશે માહિતી આપી.
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી એસ.વી. રાઠોડે જણાવ્યું કે, "તાપી જિલ્લામાં 25.3% બાળ લગ્નો છે, જે એક ખૂબ જ શરમજનક આંકડો છે." તેમણે જણાવ્યું કે, "બાળ લગ્નો, મદદ કરવી કે તેમાં સહયોગ આપવો ગુના ગણાય છે."
આ કાર્યક્રમમાં ગ્રામ્ય અને શહેરના અનેક સરકારી અધિકારીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.