વડોદરા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો - ૨૦૨૫ યોજાયો

 વડોદરા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા આયુષ મેળો - ૨૦૨૫ યોજાયો

વડોદરા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા ૨૦૨૫ના આયુષ મેળાનું આયોજન પોર ખાતે કરવામાં આવ્યું, જેમાં આરોગ્યલક્ષી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા. આ મેળાનું ઉદઘાટન કરજણના ધારાસભ્યશ્રી અક્ષયભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગાયત્રીબા મહિડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મમતા હીરપરા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ આયોજિત હતો, જેમાં આયુર્વેદ, યોગ અને હોમિયોપથી જેવી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિઓના ઉપયોગથી લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી.


મેળાના મુખ્ય હાઇલાઇટ્સ:

નિશુલ્ક આરોગ્ય ચકાસણી: પાચનતંત્ર, શ્વસનતંત્ર, ચામડીના રોગો, સ્ત્રી રોગો, અને જીવનશૈલીજન્ય રોગોની ચિકિત્સા.

આયુર્વેદિક દવા વિતરણ: આરોગ્ય માટે દવાઓ, તાત્કાલિક રાહત માટેના તેલ અને મલમ, અને રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઉકાળાનું વિતરણ.

યોગ અને જીવનશૈલી માર્ગદર્શન: યોગ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ યોગ પ્રદર્શન, દિનચર્યા-ઋતુચર્યાના માધ્યમથી સ્વસ્થ જીવનશૈલી પર પ્રકાશ.

અગ્નિ કર્મ ચિકિત્સા: સાંધાના દુખાવા માટે આયુર્વેદિક તબીબો દ્વારા તાત્કાલિક રાહત આપતી સારવાર.

પ્રદર્શનો: આયુર્વેદિક ગ્રંથો, પંચકર્મ પ્રદર્શનો, અને આરોગ્યલક્ષી માર્ગદર્શિકાનું વિતરણ.


આ પ્રસંગે 400 થી વધુ લોકોએ લાભ લીધો હતો. વિવિધ રોગો માટેના નિદાન અને આયુર્વેદિક ઉપચાર પ્રત્યે લોકોમાં વિશેષ રસ જોવા મળ્યો. આયુષ મેળાના માધ્યમથી જીવનશૈલીમાં આરોગ્યપ્રદ પરિવર્તન લાવવા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા.

મેળામાં ઉપસ્થિત મહાનુભાવોમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ગાયત્રીબા મહિડા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી અંકિતાબેન પરમાર અને અન્ય અધિકારીઓનો સમાવેશ થાય છે.


Post a Comment

Previous Post Next Post