રાષ્ટ્રપતિશ્રી શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની સ્મૃતિવન મ્યૂઝિયમ મુલાકાત – પર્યાવરણ અને સંસ્કૃતિ પ્રત્યે સંવેદનશીલ અભિગમ
ભુજ, કચ્છ
ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી કચ્છની મુલાકાતે પધાર્યા હતા અને તેઓ ભુજ સ્થિત સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ એન્ડ મ્યૂઝિયમ ની મુલાકાતે ગયા. રાષ્ટ્રપતિશ્રીએ આ સ્થળે ભુજભૂકંપની સ્મૃતિને અંજલી આપી અને આપત્તિ વ્યવસ્થાપન, પુનઃવસન અને કચ્છના પુનર્નિર્માણની ગાથાને નજીકથી નિહાળી.
વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણ જતનનો સંદેશ
સ્મૃતિવન મ્યૂઝિયમ પરિસરમાં માનનીય રાષ્ટ્રપતિશ્રીએ વૃક્ષારોપણ કર્યું અને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત, પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા, અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સી.ઈ.ઓ. અનુપમ આનંદ ઉપસ્થિત રહ્યા હતા.
સ્મૃતિવન: ભૂતકાળની યાદ અને ભવિષ્ય માટેની પ્રેરણા
સ્મૃતિવન મેમોરિયલ એ માત્ર એક મ્યૂઝિયમ નહીં, પણ વિનાશમાંથી ઉજાસની યાત્રાનું પ્રતિક છે. રાષ્ટ્રપતિશ્રીએ અહીંની જીવનની ઉત્પત્તિ, માનવ વિકાસ અને પ્રાકૃતિક આપત્તિઓની ગેલેરીઓ ની મુલાકાત લીધી. વર્ષ ૨૦૦૧ના વિનાશક ભૂકંપનો અનુભવ વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર દ્વારા કર્યો.
માનવ સંઘર્ષ અને આશાની વાર્તાઓ
સ્મૃતિવનના સાંસ્કૃતિક પ્રદર્શન અને વિડિયોઝ દ્વારા રાષ્ટ્રપતિશ્રીએ કચ્છની હિંમત અને સંકલ્પની ગાથાઓને નિહાળી. "આશાનું ગીત" રજૂ કરનારા કચ્છના કલાકારોને પ્રોત્સાહિત કરતા તેઓએ કચ્છની સંસ્કૃતિ અને માનવ સંઘર્ષ પ્રત્યે પ્રશંસા વ્યક્ત કરી
વિશેષ ઉપસ્થિતિ
આ મુલાકાત દરમિયાન કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, નાયબ કલેક્ટર અનિલ જાદવ, ભગીરથસિંહ ઝાલા, અને નાયબ પોલીસ અધિક્ષક એમ.જે. ક્રિશ્ચિયન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્મૃતિવન મ્યૂઝિયમ માત્ર ભૂતકાળની દુઃખદ ઘટનાઓને યાદ કરવાનું સ્થાન નહીં, પણ વિશ્વસ્તરે આપત્તિ વ્યવસ્થાપન માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીની આ મુલાકાતથી કચ્છ અને સમગ્ર ગુજરાત માટે નવી પ્રેરણા પ્રાપ્ત થઈ છે.