સિનિયર સિટિઝન એથ્લેટિક્સ: ખેરગામના વિજેતાઓએ ગૌરવ વધાર્યું.
આજ રોજ તા. 02/03/2025, બીલીમોરા ખાતે આવેલ સોમનાથ મહાદેવ મંદિર તથા જલારામ બાપા મંદિર સામે નગરપાલિકા પાર્ટી પ્લોટ ખાતે સિનિયર સિટીઝન એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અંદાજે 100 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ખેરગામ તાલુકાના સ્પર્ધકોએ પણ આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ખેરગામનું નામ રોશન કર્યું છે. ખેરગામ પોમાપાળ ગામના વતની પ્રવિણભાઈ પટેલે 55+ વય કેટેગરીમાં 100 મીટર તથા 200 મીટર દોડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શ્રેષ્ઠતા સાબિત કરી હતી.
તેમજ, ખેરગામ ગાંધીનગર સોસાયટીના રહેવાસી અને નવી ભૈરવી ગામના વતની મણિલાલ લલ્લુભાઈ પટેલે 65+ વય કેટેગરીમાં 200 મીટર દોડમાં ત્રીજું સ્થાન અને 100 મીટર દોડમાં ચોથું સ્થાન મેળવી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ સિદ્ધિ માટે બંને ખેલાડીઓને ગામજનો તથા ખેલપ્રેમીઓ દ્વારા અભિનંદન આપવામાં આવ્યા છે. આ પ્રકારની રમતો દ્વારા સિનિયર સિટિઝન્સમાં શારીરિક તંદુરસ્તી પ્રત્યે જાગૃતિ આવે છે તથા યુવાનો માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ પુરું પાડે છે.